સુરેન્દ્રનગર - અમદાવાદ રેલવે રુટ પર અપલાઇન પર ત્રણ મોટા પથ્થર મૂકી ટ્રેન ઊથલાવવાની કોશિશ કરાઇ હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ રુટ પરથી એન્જિન પસાર થઇ રહ્યું હતું ત્યારે તેની સાથે પથ્થર અથડાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર - અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર ટ્રેનો પસાર થાય છે.સુરેન્દ્રનગરથી અમદાવાદ જતાં સુરેન્દ્રનગર વાળા રોડ પાસે રેલવેના કેએમ નંબર 622/7-9 પાસે લોકો પાઇલટ રાજેશકુમાર લાઇટ એન્જિનને લઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા ત્યારે તા. 13 જૂને સાંજના 7 વાગ્યાની આસપાસ ટ્રેક પર પથ્થરો જોતા ઇમરજન્સી બ્રેક લગાવી હતી. છતાં પહેલો પથ્થર અથડાઇ જતા એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું.તેમણે નીચે ઉતરીને જોતા 20 થી 25 કિલોનો એક એવા 3 પથ્થર ટ્રેક પર જોવા મળતા તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દરમિયાન જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઇ હતી.