થરાદથી રવિવારે યાત્રાધામ અંબાજી પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ પૈકી 51 શક્તિપીઠ સર્કલ પર ફરવા ગયેલા ત્રણ વિદ્યાર્થીઓને રાત્રે રિક્ષા અડી જતાં સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદ ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકોને જોઈ ત્યાંથી અંબિકા ભોજનાલય આવી ગયેલા બાળકોનો પીછો કરી વિદ્યાર્થીઓને લાકડી ધોકા જેવા હથિયારો લઇને મારવા રિક્ષા ચાલકો અંબિકા ભોજનાલય સુધી પહોંચી ગયા હતા જેથી ડરી ગયેલા બે વિદ્યાર્થી ગુમ થતાં તંત્ર પણ દોડતું થયું હતું.જોકે, બે કલાકની શોધખોળ બાદ બસ નીચેથી મળી આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.
થરાદ સરસ્વતી વિદ્યાલયના ધોરણ 6 થી 12 ના 38 છાત્રો અને 7 છાત્રાઓ મળી 45 વિદ્યાર્થીઓ રવિવારે યાત્રાધામ અંબાજીનાં પ્રવાસે આવ્યા હતાં. રવિવારે મોડી સાંજે તમામ વિદ્યાર્થીઓ ભોજન લેવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં ગયા હતા. જેમાંથી ત્રણ બાળકો અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર ફરવા ગયા હતા. જ્યાં માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે રિક્ષા અડી જતાં બોલાચાલી થતાં મામલો બીચકતા આવી ગયેલા બીજા ચારથી પાંચ રિક્ષા ચાલકોએ વિદ્યાર્થી મહેશ અને રવી રાજપૂત પર ધોકા અને લાકડી લઈ તૂટી પડયા હતા.
ઘવાયેલાં વિદ્યાર્થીઓ જીવ બચાવવા ત્યાંથી દોટ મૂકી અને અંબિકા ભોજનાલયમાં ભાગી ગયા હતા. જ્યાં માથાભારે વીસથી પચીસ અસામાજિક તત્વો સાથેમળી વિદ્યાર્થીને મારવા ઘૂસી જતા અંબાજીમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જોકે સુરક્ષા જવાનો વચ્ચે પડતા લુખ્ખાતત્વો ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર મામલો અંબાજી પોલીસ મથકે પહોંચતા પોલીસ પણ દોડતી થઇ હતી.અને લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી હતી.થરાદની સરસ્વતી વિદ્યાવિહાર સંકુલના સંચાલક એનડી રાજપૂતે જણાવ્યું કે "પ્રવાસમાં સાથે ગયેલા શિક્ષક વિક્રમભાઈ મકવાણા એ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાબતે અજાણ્યા અસામાજિક તત્વો વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે અરજી આપી છે.
અંબાજીમાં થરાદના વિદ્યાર્થિઓ પર થયેલા જીવલેણ હુમલાને કારણે વિદ્યાર્થિઓ ઠંડીની ઋતુમાં જીવ બચાવવા કંપી રહ્યા હતા. અબિકા ભોજનાલયમાં રાત્રિનું ભોજન લેવા પહોંચેલા 45 બાળકો ભયના માર્યા ભૂખ્યા પેટે અંબાજીથી રવાના થયા હતા.
અંબાજીના વિકાસ સાથે તીર્થ ધામમાં અસામાજિક પ્રવૃત્તિ પણ બેવડાઈ રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. મોટા ભાગના રિક્ષા ચાલકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવા છતાં ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરવાં સાથે પ્રવાસીઓ સાથે પણ વારંવાર છેતરપિંડી અને મારપીટની ફરિયાદો ઊઠી રહી છે. યાત્રિકોની સુરક્ષા પણ જોખમાઈ રહી છે.