દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત પર હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ વાવાઝોડું કચ્છ તરફ ફંટાવવાની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે. જેને લીધે જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે. વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં ઇમરજન્સી ઇન્ટરનલ કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે જિલ્લાના તમામ 7 પ્રાંત અધિકારીઓના વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે વાયરલેસ સેટની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા સૂઇગામ, થરાદ, ધાનેરા, પાલનપુર, ડીસા, દાંતા અને દિયોદર પ્રાંત વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન કોમ્યુનિકેશન જાળવવા માટે વાયરલેસ સેટ ગોઠવવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જિલ્લામાં આવેલ દાંતીવાડા અને સીપુ ડેમ સાઇટ તથા ધાનેરા શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઇ વાવાઝોડા સામે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું. તેમણે દાંતીવાડા અને સીપુ બન્ને ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા તથા ડેમના દરવાજાઓ ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થા સહિત ટેકનીકલી માહિતી પણ મેળવી હતી. 

અત્રે ઉલ્લેખીનીય છે કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે વર્ષ- 2017 માં ધાનેરા શહેરમાં જ્યાં ભારે પૂરની સ્થિતિ સર્જાઇ હતી તેવા નીચાણવાળા વિસ્તારોની કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જાત મુલાકાત લઇ લોકો અને જાનમાલની સુરક્ષા માટે જરૂરી જણાય તેવા તમામ પગલાંઓ લેવા સ્થાનિક વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.