મહેસાણા : મહેસાણા તાલુકાના ગમાનપુર ગામની સીમમાં આવેલી એક ફેકટરીમાંથી સાત જેટલા ચોર ઇસમોએ 71 હજારની કિંમતની લોખંડની એંગલોની ચોરી કરી હતી. જેની ફરિયાદ મહેસાણા દેદીયાસણ ખાતે રહેતા ફેકટરીના માલિકે સાંથલ પોલીસમાં નોંધાવી હતી. ત્યારે સાંથલ પોલીસે લોખંડની એંગલો ચોરી કરનાર સાત શખ્સોને 71 હજારના ચોરાયેલા લોખંડનો મુદ્દામાલ કબજે કરી ચોરીમાં વપરાયલે ટ્રકટર સાથે સાતેય શખ્સોને ઝડપી પાડી એ.કે.વાઘેલા સહિતની ટીમે ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો.

મહેસાણા  દેદીયાસણ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા જયંતિભાઇ નરસિંહ પરમારની મહેસાણા તાલુકાના ગમાનપુરા ગામની સીમમાં ભારત એન્ટરપ્રાઇઝ નામની ફેકટરી આવેલી છે. જે ફેકટરીના કંમ્પાઉન્ડમાંથી ગત તા. 30-05-2023ના રોજ રાત્રિના સમયે કોઇ અજાણ્યાં ચોર ઇસમો ફેકટરીના કમ્પાઉન્ડમાં મુકેલી લોખંડની સી આકારાની ચેનલ નંગ 20 જેનું વજન 300 કિલો તથા કિંમત 38 હજાર તથા લોખંડની ચોરસ પાઇપ નંગ 15 વજન આશરે 250 કિલો જેની કિંમત 19 હજાર તથા લોખંડની એંગલ નંગ 10 જેનું વજન 210 કિલો જેની કિંમત 14 હજાર મળી કુલ રુ. 71 હજારનો મુદ્દામાલ ચોરી થવા પામી હતી.

જેની ફરિયાદ પરમાર જયંતિભાઇએ સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ ના.પોલીસ અધિક્ષક આર.આઇ. દેસાઇની સીધી સૂચના મુજબ સાંથલ પીએસઆઇ એ.કે.વાઘેલા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરી રહ્યાં હતા. આ દરમિયાન સાંથલના એએસઆઇ પરસોતમભાઇને ગમાનપુરમાં થયેલી ચોરીમાં કનોની સંડોવાયેલા છે. જે બાતમીના આધારે સાંથલ પોલીસે ઠાકોર પ્રભાતસંગ જવાનજી, ઠાકોર વિપુલજી દિનેશજી, ઠાકોર દશરથજી ગંભીરજી, પટેલ રાકેશ ઉર્ફે રાકો ગામી ગાંડાભાઇ, ઠાકોર અશોકજી નાથાજી, ઠાકોર જેણાજી ભુપતાજી તથા ઠાકોર ભગાજી ઉર્ફે તભાજી હવાજી રહે. તમામ પાલજ તા.જી મહેસાણાવાળા શખ્સો પાસેથી ચોરી કરેલો 71 હજારનો મુદ્દામાલ તથા ચોરીમાં વપરાયેલ ટ્રેકટર કબજે કરી સાંથલ પોલીસે તમામ સાત શખ્સોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.