કડી: આજના સમયમાં લોકો સામાન્ય બાબતે એટલા હિંસક બની જતા હોય છે કે એકબીજાને મારવા મરવા પર ઉતરી જતા હોય છે. આ જ પ્રકારની ઘટના મહેસાણા જિલ્લાના કડીમાંથી સામે આવી છે. આરોપીએ ફરિયાદીની પત્નીને ઇન્સ્ટ્રાગ્રામ પર મેસેજ કરી હેરાન કરતો હતો. જેને લઈ ફરિયાદીએ આરોપીને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી ગતરોજ આરોપીએ ફરિયાદના માથા અને મોઢાના ભાગે પથ્થર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ સમ્રગ મામલે ફરિયાદીએ કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી કમલેશ શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદીના પત્નીને ઇન્સ્ટ્રાગ્રામ પર કોઈ અજાણી વ્યકિત અવાર-નવાર મેસેજ લખી હેરાન હેરાન કરતી હતી. આ વાત પત્નીએ ફરિયાદીને જણાવી હતી. જે બાબતે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરનારા યુવકની પ્રોફાઇલ ચેક કરતા પ્રવિણ રાવળ હોવાનું સામે આવ્યું હતું. જે કેશવનગર વિસ્તારમાં રહે છે. ગતરોજ પ્રવિણ બહુચર માતાના મંદિરે આવ્યો હતો, તે દરમિયાને ફરિયાદીએ પ્રવિણને તેની પત્ની મેસેજ કરવાના બદલ ઠપકો આપ્યો હતો. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે આસપાસના લોકો વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. ગતરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરિયાદી ખેતર બાજુ કામથી ગયા હતા, ત્યારે પ્રવિણે ઝઘડાનો ખાર રાખી ફરિયાદને ગળામાં પટ્ટો ભરાવી માથા ભાગે પથ્થર માર્યો હતો અને અભદ્ર ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ આરોપી પ્રવીણ ત્યાંથી ભાગી ગયો હતો.

ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની ભોગ્યદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમ્રગ મામલે પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે ફરિયાદીએ હુમલાખોર પ્રવીણ રાવળ સામે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા તપાસ હાથધરી છે.