ડીસામાં દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર મારી ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે. પતિના ત્રાસથી કંટાળેલી બે બાળકોની માતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના શાંતિનગરમાં રહેતી એક યુવતીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ આઠ વર્ષ અગાઉ ગોઢા ગામે રહેતા દિનેશ રાવળ નામના વ્યક્તિ સાથે થયા હતા. શરૂઆતમાં બંને ગોઢા ગામે રહેતા હતા અને ઘરસંસાર બરાબર ચાલતો હતો. દાંપત્ય જીવનમાં એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો.
ત્યારબાદ બંને ડીસા ખાતે ધંધાર્થે રહેવા માટે આવ્યા હતા, પરંતુ ધીરે ધીરે દિનેશ દારૂની પીવાની લતે ચડી જતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બાદમાં દારૂ પીવા માટે પત્ની પાસે પૈસાની વારંવાર માગણી કરતો હતો. પત્ની પાસે ન હોય તો તેના સાળાઓ પાસેથી પૈસા લઈ આવવાનું કહેતો હતો. જોકે પત્ની દારૂ પીવા માટે પૈસા ના આપે તો પત્નીને ગાળો બોલી ઢોરમાર મારતો હતો.
તેમ છતાં પણ ઘરસંસાર ના બગડે તે માટે પત્ની દુઃખ સહન કરતી હતી. તે દરમિયાન યુવતીના દિયર ભરત અને દેરાણી ટીનાબેન એના ઘરે આવ્યા હતા અને તેનો પતિ દિનેશ ગામડે રહેતો હોવાથી બંને બાળકો તેમને સોંપી દેવાની માગણી કરી હતી. જોકે યુવતીએ બાળકો આપવાની ના પાડતા આ બંનેએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કંટાળેલી પીડીતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.