શ્રી એસ એન કોઠારી પ્રાથમિક શાળા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ..
શ્રી એસ એન કોઠારી પ્રાથમિક શાળા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના હસ્તે
શાળા પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધોરણ ત્રણ થી આઠ ના પ્રથમ નંબરે પાસ થયેલ તેજસ્વી તારલાઓ, NMMSના મેરીટ માં આવેલ બે વિદ્યાર્થિનીઓ અને કેટની એક્ઝામમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ તેમજ દાતાશ્રીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા અને મહેમાનોએ શાળાની મુલાકાત લઈ જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં અભ્યાસ કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ નિમિતે બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખસુશ્રી કિરણબેન રાવલ , પ્રવેશોત્સવ જિલ્લા નોડલ અધિકારીશ્રી આનંદભાઈ મોદી, પશ્ચિમ ઝોનના પી.આઈશ્રી, કોર્પોરેટર્સશ્રી ભગવાનભાઈ પટેલ ,રીનાબેન ઠાકોર, હરીશભાઈ પંચાલ, દેવેન્દ્રભાઈ રાવલ અને સી.આર.સી કોર્ડીનેટર શ્રી જેમલભાઈ ચૌધરી તથા વાલીગણ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.