ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.