બનાસકાંઠા જિલ્લાની ભીલડી પોલીસે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. નવ વર્ષથી પોલીસને ચકમો આપવામાં સફળ રહેલા આરોપીને ભીલડી પોલીસે શોધીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની સઘન શોધખોળ ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષોથી ફરાર આરોપીઓ પણ હવે પકડાઈ રહ્યા છે. ડીસા તાલુકાની ભીલડી પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી. તે સમયે 9 વર્ષથી ફરાર આરોપીની ખાનગી રાહે માહિતી મળતા તપાસ શરૂ કરી હતી અને પીએસઆઇ આર.એમ.ચાવડાની ટીમે આરોપી ભરતજી વિહાજી ઠાકોરને ઝડપી પાડ્યો છે.
આ આરોપી ભરતજી ઠાકોર સામે ભીલડી પો સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન-24/2014 ઈ.પી.કો કલમ 363,366 મુજબ ગુન્હો નોંધાયો હતો અને ફરિયાદ નોંધાયા બાદ આરોપી છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસને વારંવાર ચકમો આપી ફરાર રહેવામાં સફળ થનાર આરોપી હવે પોલીસને હાથે લાગી ગયો છે. જેથી ભીલડી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.