સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલા મેકસન સર્કલની આજુ બાજુમાં આવેલી ફેકટરીઓને નિશાન બનાવીને તસ્કર ગેંગ ત્રાટકી હતી.એક જ રાતમાં માત્ર 2.30 કલાકમાં જ 15થી વધુ ફેકટરીના તાળાં તોડીને રોકડ સહિત અંદાજે રૂ.3 લાખની વધુની મતાનો સફાયો કરી જતા ઉદ્યોગકારોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઇ છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ (સીબીડી ગેંગ) જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ ગણતરીના સમયમાં આતંક મચાવી ફરાર થઇ ગઇ હતી.સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનોની સાથે દુકાનોને નિશાન બનાવીને ચોરી થવાના બનાવો બનતા રહે છે. તેમાં પણ ખાસ કરીને બંધ ઘર તસ્કરો માટે સોફટ ટારગેટ બની જતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગર મુળી રોડ ઉપર આવેલી અંતરિયાળ ફેકટરીને નિશાન બનાવીને તસ્કરો ત્રાટકયા હતા. જેમાં આશરે 6 થી 7 લોકોની આ ગેંગ સીસી ટીવીમાં કેદ થઇ ગઇ હતી.ફેકટરીના શટર તોડવા માટે કોંસ અને હાથમાં ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે આ ગેંગ ત્રાટકી હતી.જો ફેકટરીમાં કોઇ હોય અને સામનો કરે તો દૂરથી બચાવ માટે આરોપીઓએ હાથમાં પથ્થરો પણ રાખ્યા હતા.અંદાજે દોઢ વાગ્યાના સમયે પહેલા કારખાનામાં પ્રવેશ કરીને વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તો તમામ જગ્યાએ તાળા તોડીને તસ્કર ગેંગ રવાના થઇ ગઇ હતી. કોઇની ફેકટરીમાંથી રૂ.25 હજાર તો કોઇની ફેકટરી માંથી રૂ.1 લાખ મળીને કુલ 3 લાખ જેટલી મતાનો હાથ સાફ કરી ગયા હતા.તો ઘણા કારખાનાઓમાં તો ચોરને ફોગટનો ફેરો પણ થયો હતો.આ બનાવ અંગે જોરાવરનગર પોલીસે ફેકટરીના માલિકોની અરજી લઇને તસ્કરોનુ પગેરૂ દબાવવા માટે દોડધામ શરૂ કરી છે.