ડીસા તાલુકાના જુનાડીસા ગામે સરકારી ક્વાટર્સમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી જર્જરિત હાલતમાં બંધ પડેલા સરકારી ક્વાટર્સમાં લોકો કચરો નાખતા આકસ્મિક આગ લાગતા ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે આજે ફરીથી આગ લાગી હોવાની ઘટના બની હતી. ગ્રામ પંચાયત પાસે વર્ષોથી જર્જરીત હાલતમાં સરકારી ક્વાટર્સ આવેલા છે. જે ક્વાટર્સ બંધ હોવાથી ગામ લોકો દ્વારા ત્યાં કચરો નાખવામાં આવતો છે. જોકે આજે બપોરના સમયે આકસ્મિક કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી

સરકારી ક્વાર્ટર્સમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાડીસા ગામમાં એક જ મહિનામાં આ બીજી આગની ઘટના બની હતી. અગાઉ પણ હાઈવે પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.