પાટડી તાલુકાના મીઠાઘોડાનો ખેડૂત ખારાઘોડા અને પાટડી બેંકમાંથી નાણા ઉપાડી કપડાની થેલી મોટરસાયકલની ડીકીમાં મૂકી બજારમાં ખરીદી કરવા ગયાને તસ્કરોએ ખેલ પાડી દીધો હતો. પાટડીમાં ધોળા દિવસે ભરબજારમાંથી ખેડૂતના મોટરસાયકલની ડીકીમાંથી ત્રણ અજાણ્યા તસ્કરો રૂ. 2,19,000 ભરેલી કાપડની થેલી લઇ જતાં ચકચાર મચી હતી. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર પાટડી તાલુકાના મીઠાઘોડા ગામના ખેડૂત આગેવાન રઘુભાઇ રણછોડભાઇ સાવધોર (રબારી) ઘરેથી પોતાનું મોટરસાયકલ લઇ ખેતી માટેના બિયારણ માટે અને અન્ય ઘરખર્ચ માટે પ્રથમ ખારાઘોડાની બેંકમાંથી રૂ. 5,000 ઉપાડ્યા બાદ પાટડીની બેંકમાંથી રૂ. 2,14,000 રોકડા ઉપાડી કુલ રૂ. 2,19,000 કાપડની થેલીમાં મૂકી મોટરસાયકલની લોક વગરની ડેકીમાં મૂકી ખરીદી કરવા માટે પાટડીની મેઇન બજારમાં ગયા હતા.પાટડીની બજારમાં ગોળની ખરીદી કરી મોટરસાયકલ લઇ પાટડી બહ‍ાર પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જતા મોટરસાયકલની ડેકીમ‍ાંથી પૈસા ભરેલી કાપડની થેલી ગાયબ જોતા તાબડતોબ પાટડી બજારમાં પાછા દોડી ગયા હતા. પરંતુ નાણા ભરેલી થેલીનો કોઇ પત્તો ના લાગતા પોલીસ ફરીયાદ કરવા પાટડી પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં મોડી સાંજે ચોરી અંગેની ફરીયાદ દાખલ કરી હતી.બાદમાં પાટડી પોલીસ દ્વારા પાટડી નગરપાલિકાના સીસીટીવી ફુટેજ ચેક કરતા આ ચોરી કેસમાં આશરે સોળથી અઢાર વર્ષનો કાળા કબુતરી કલરનો શર્ટ પહેરેલો યુવાન, આશરે પચીસેક વર્ષનો કાળા અને સફેદ કલરનો ચેક્સ શર્ટ તથા એક ચાલીસ વર્ષનો યુવાન આ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવતા પાટડી પોલીસે એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ થેલીમાં વિવિધ ત્રણ બેંકોની પાસબુક અને એક બેંકની ચેકબુક હોવાની સાથે રૂ. 2,19,000ની ચોરી થયાની પોલીસ ફરીયાદ પાટડી પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યાં છે.