ડીસા શહેરમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલમાં આજે ધોરણ દસમાં પાસ થયેલા બાળકોના વાલીઓએ પ્રવેશ મામલે મોટો હોબાળો મચાવી દીધો હતો. પરંતુ ત્યારબાદ શાળાના સંચાલકોએ આ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ કરી આપતા શાળામાં રોષે ભરાઈને આવેલા વાલીઓનો ગુસ્સો શાંત થયો હતો.
તાજેતરમાં ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થયા બાદ ધોરણ 11માં પ્રવેશ માટે ઘણીબધી શાળાઓએ ઓનલાઈન પ્રવેશની જાહેરાત કરી હતી. ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થયેલા વિધાર્થીઓએ ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ પણ ભરી દીધા હતા.
ત્યારે ડીસા ખાતે આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલમાં ફોર્મ ભરનાર વિધાર્થીઓને શાળા દ્વારા ઓનલાઈન પ્રવેશ પણ આપી દેવામાં આવ્યા બાદ તેમના પ્રવેશ અચાનક રદ્દ કરી દેવામાં આવ્યા હોવાના વિધાર્થીઓએ અને તેમના વાલીઓ આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
આ અંગે વિદ્યાર્થીની પુજા જોશી અને વાલી ભારતિબેને જણાવ્યું હતું કે, ધોરણ 10નું રિઝલ્ટ આવ્યા બાદ અમે તરત અહીં શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ હવે આજે દસ દિવસ પછી શાળાના સંચાલકો અમને ફી પરત આપી તમારૂ એડમિશન કેન્સલ કરી દીધું છે તેમ કહે છે હવે વિદ્યાર્થીઓ ક્યાં જશે?. જો શાળાએ પ્રવેશ નહોતો આપવો તો પહેલેથી જ અમને જાણ કરી દેવી હતી.
ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં પ્રવેશને લઈ વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળા પર લગાવવામાં આવેલા આરોપને પગલે અમે શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો હતો. ત્યારે શાળાના પ્રિન્સિપાલ લક્ષમણભાઈ ખરસણે જણાવ્યું હતું કે, શાળા સંકૂલમાં અન્ય ગર્લ્સ શાળા પણ આવેલી છે અને તમામ વિધાર્થીઓનો ત્યાં સમાવેશ થઈ જશે તેવી ખાતરી આપી હતી. આજે સરદાર પટેલ હાઈસ્કૂલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે ચાલેલી તકરારનું આખરે સુખદ અંત આવ્યો હતો અને પ્રવેશ રદ્દ થઈ ગયા હોય તેવા તમામ વિધાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.