પાલનપુરની મેરવાડા ચોકડી નજીક ઘાસ ભરેલું ટ્રેક્ટર પલટી જતા અકસ્માત થયો હતો. ટ્રેક્ટરનું આગળનું ટાયર નીકળી જતા રોડ વચ્ચે જ પલટી માર્યું હતું, જોકે, બનાવમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલ સીલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે પાલનપુરના મેરવાડ ચોકડી ખાતે ટ્રેક્ટર ચાલક સૂકો ઘાસચારો ભરીને જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન ટ્રેક્ટરના આગળના ભાગનું ટાયર નીકળી જતા જ ટ્રેક્ટર ડિવાઇડર પર અથડાઈ પલટી મારી ગયું હતું. બનાવમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. થોડાક દિવસ અગાઉ ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે પણ ઓવરટેક કરવા જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી.
અકસ્માતમાં ટ્રક ચાલક કેબીન નીચે દબાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું, ડીસા તાલુકાના જેરડા ગામ પાસેથી પસાર થતી વખતે આગળ જઇ રહેલી ગાડીની ઓવરટેક કરી રહ્યો હતો તે સમયે અચાનક સામેથી અન્ય વાહન આવી જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.