એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. રાજ્યમાં બાઈપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે.
દક્ષિણ અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાઈપરજોયના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. જોકે, તે ગુજરાત પહોંચશે કે કેમ તે અંગે હજુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે તેને જોતા વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે તેવી સ્થિતિ બની રહી છે.