(રાહુલ પ્રજાપતિ)

હિંમતનગરના પીપલોદી ગામની સીમમાં આવેલ એક ટ્રેકટરના શો-રૂમમાં પાંચ દિવસ અગાઉ લૂંટ કરવાના ઈરાદે આવેલા બે શખ્સોએ ચોકીદારને હિંદીમાં ધમકી આપી તેને ખાટલા સાથે બાંધી દીધો હતો. અને એક શખ્સ શો-રૂમમાં જઈ લૂંટ કરવાની પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ ચોકીદારને માર મારી મોબાઈલ તોડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી અપાયાની ફરીયાદ શુક્રવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પીપલોદી ગામના લાલસિંહ મોહબતસિંહ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૨૮ મે ની રાત્રે તેઓ પીપલોદી ગામની સીમમાં આવેલ એક ટ્રેકટરના શો-રૂમમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા ત્યારે મધરાતે બે શખ્સોએ આવીને લાલસિંહ પાસે શો-રૂમની ચાવી માંગી હતી. પરંતુ લાલસિંહએ મારી પાસે ચાવી નથી તેમ કહેતા આ બંને જણાએ લાકડી અને લોખંડની પાઈપથી લાલસિંહ પર હુમલો કર્યો હતો.

ત્યારબાદ આવેલા શખ્સોએ કહ્યું હતુ કે "ચાવી હમે દે દે... વરના તેરા ગલા કાટ ડાલેંગે" તેમ કહી લાલસિંહનું મોઢું દબાવી ખાટલા સાથે બાંધી દીધા હતા. અને એક ઈસમ શો-રૂમમાં જઈ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કંઈ હાથ ન લાગતા આ બંને જણાએ ફરીથી લાલસિંહ પર હુમલો કરી ગડદાપાટુનો માર મારી છુટા પથ્થરો માર્યા હતા. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જતાં જતાં મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો. જેથી લાલસિંહને સારવાર માટે હિંમતનગર સિવીલમાં દાખલ કરાયા બાદ શુક્રવારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.