અમીરગઢ તાલુકાના ભમ્મરિયા તળાવમાં પોતાની ભેંસો જતા તેને કાઢવા માટે તળાવમાં પડેલ એક યુવક ડૂબી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમીરગઢ મામલતદાર તેમજ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર નીકળવામાં આવ્યો હતો. બનાવના પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થયા હતા.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલકો વસવાટ કરી રહ્યા છે. પોતાની જીવનપુજી સમાન પશુઓ ભમ્મરિયા તળાવમાં ગયેલ હોઈ તેઓને બહાર નીકળવા માટે તળાવ કિનારે જનાર ભમ્મરિયા ગામના પશુપાલક ડાભી ભગાભાઇ પ્રેમાભાઈ તળાવમાં પડેલ હતા. પરંતુ તળાવમાં પાણી વધારે હોવાથી તેઓ બહાર નીકળી ન શકતા પાણીમાં ગરકાવ થઇ જતા ઘણા સમય સુધી તેઓ બહાર ન નીકળતા ગામલોકોએ તેઓની શોધ કરી હતી છતાં ન મળતા અંતે તંત્ર ને જાણ કરતા અમીરગઢ મામલતદાર વી જી રાવલ તાત્કાલિક ભમ્મરિયા દોડી આવ્યા હતા અને પાલનપુર ડિઝાસ્ટર વિભાગને જાણ કરતા ડિઝાસ્ટર વિભાગ પણ ભમ્મરિયા એવું સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધ કરતા લાશ મળી ન હોઈ અંતે પાલનપુર નગરપાલિકા ની મદદ લેવામાં આવતા નગરપાલિકા ના તરવૈયાઓ દ્વારા બીજા દિવસે લાશને બહાર કાઢવામાં આવી હતી.

ઘટનાસ્થળ પર હાજર રહેલ સ્થાનિકે જણાવ્યું હતું કે, બનાવ આગળના દિવસે ત્રણેક વાગ્યાના બનેલ હતો અને બીજા દિવસે અગિયાર વાગ્યાના સમયે લાશ મળેલ હતી. પોતાના પશુઓને સુરક્ષિત કરવા માટે તળાવમાં પડેલ 43 વર્ષીય પશુપાલકે પોતાનો જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામેલ છે.