માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાએ સાયકલ રેલી યોજાઇ...

સાઇકલ રેલી દરમિયાન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોના સહયોગથી વૃક્ષારોપણ કરાયું..

આગામી પ મી જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત માસ મોબીલાઇઝેશન ફોર મિશન લાઇફ ઇન ગુજરાત કાર્યક્રમ હેઠળ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાએ સાયકલ રેલી યોજાઇ હતી. વન કવચમાં વધારો કરવા અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે ઉદેશ્યથી તા. ૬ મે થી ૨૭ મે-૨૦૨૩ રદમિયાન યોજાયેલ આ સાઇકલ રેલી દરમિયાન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્થાનિક લોકોના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

           આગામી ૫ મી જૂનના રોજ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યવારણ દિવસની ઉજવણી થવાની છે ત્યારે અંબાજી ખાતે મિયાવાકી પધ્તિથી ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ વર્ષે અંબાજી ખાતે વન કવચ વાવેતર અંતર્ગત ૨૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા વન વિભાગની જુદી જુદી રેન્જમાં વિશાળપાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં અમીરગઢ રેન્જમાં રાજપુરીયા, ડીસા રેન્જમાં મહાદેવીયા અને પેપળુ સ્કુલ, દાંતીવાડા રેન્જમાં બનાસ બાગ દાંતીવાડા, પાલનપુર રેન્જમાં મહેશ્વરી પ્રાથમિક શાળા પાલનપુર, થરાદ રેન્જમાં શિવનગર નર્સરી, વડગામ રેન્જમાં સધી માતા મંદિર, સનવાલ હાઇસ્કૂલ, સૂઇગામ પ્રાથમિક શાળા, ભાભર રેન્જમાં કુંવાળા સ્કૂલ, શિહોરી રેન્જમાં થરા કોમર્સ કોલેજ, દિયોદર રેન્જમાં મોડેલ હાઇસ્કૂલ દિયોદર અને ધાનેરા તાલુકામાં બાપલા હાઇસ્કુલમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના જતન માટેના શપથ લેવડાવવાનું બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે..