રાજયમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવાનો તેમનું નામ મતદારયાદીમાં નોંધાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા શૈક્ષણિક સંસ્થાઓના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ પૈકી અમુક વિધાર્થીઓની કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવશે.

ભારતીય ચૂંટણીપંચ, નવી દિલ્હીની સુચના મુજબ મોટાભાગે NSS ના સ્વયંસેવકોની કેમ્પસ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવે છે. ખેડા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડા અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ખેડા નડીઆદના પરામર્શમાં રહીને અત્રેના જિલ્લાની દરેક કોલેજોમાં બે કેમ્પસ એમ્બેસેડર્સની નિમણૂંક કરવામાં આવનાર છે. 

આ પસંદ પામેલ યુવાનો / યુવતીઓ પોતાની કોલેજોમાં તથા તેમની સાથે સંકળાયેલ તમામ યુવાનોમાં મતદાન માટે જાગૃતિનો સંદેશ ફેલાવશે અને મતદારયાદીમાં નામ નોંધવા માટે માટે લોકોને પ્રેરિત કરશે. નિમણૂંક પામેલ કેમ્પસ એમ્બસેડર્સ તેઓના તમામ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, વોટસઅપના ગૃપમાં પણ તમામ કામગીરીનો પ્રચાર – પ્રસાર કરશે. આ તમામ કામગીરી માટેથી જિલ્લા કક્ષાએથી નિમણૂંક કરેલ કેમ્પસ એમ્બેસેડર્સને તાલીમનું આયોજન કરવામાં આવશે.

૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કેમ્પસ એમ્બેસેડર્સનું જિલ્લા અને તાલુકા કક્ષાએ બહુમાન કરવામાં આવશે અને તેઓને પ્રમાણપત્ર અને રૂા.૨૦૦૦/- નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે.