પાટડી તાલુકાના એરવાડા એછવાડા રોડ પરથી વિદેશી દારૂની 360 બોટલો અને કાર સાથે એક શખ્સ ઝડપાયો હતો. દસાડા પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.3,85,000ના મુદામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો હતો. દસાડા પોલીસે દારૂ અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એરવાડા ગામના બસસ્ટેન્ડ પાસે આવતા વિદેશી દારૂના જથ્થા સાથે એક સિલ્વર કલરની ઇનોવો ગાડી નિકળવાની હોવાની ખાનગી રાહે પાક્કી બાતમી મળી હતી. આથી દસાડા પોલીસે છટકું ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સિલ્વર કલરની ઇનોવા કારને પોલીસે આંતરવાની કોશીશ કરતા કારચાલક ગાડી ભગાડીને નાસી છૂટ્યો હતો. આથી દસાડા પોલીસે આ ઇનોવા કારનો ફિલ્મી ઢબે પીછો કરી પાટડી તાલુકાના એરવાડા-એછવાડા કેનાલ પાસે ઓવરટેક કરીને ઉભી રખાવતા કારચાલક ગાડી મૂકીને સીમ ખેતરમાં ભાગવા જતા દસાડા પોલીસ એનો પીછો કરી દબોચી લીધો હતો.આ શખ્સ દિનેશકુમાર બાબુલાલ ઢાકા (બિશ્નોઇ) ( રહે- જેસલા, તા. સાંચોર, જિલ્લો- જાલોર ( રાજસ્થાન )ની સાથે ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 360, કિંમત રૂ. 1,35,000 તથા સિલ્વર કલરની ઇનોવા કાર કિંમત રૂ. 2,50,000 મળી કુલ રૂ. 3,85,000નો મુદામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, હમીરભાઇ, સુરેશભાઇ, વિજયસિંહ, નિલેષભાઇ અને મનીષભાઇ અઘારા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.