સુરેન્દ્રનગરના દુધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન પડી ગયો હોવાની માહિતી મળી હતી. આથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ 22 વર્ષના યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બે કલાકની જહેમત બાદ માત્ર લાશ હાથ લાગી હતી. તપાસમાં તે ખોડુ ગામનો હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકોની લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે દુધરેજ ગામ પાસે રાજપર રેલ્વેના નાળા પાસેથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડુબી ગયો હોવાની ફાયર વિભાગને જાણ થઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, સંજયભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ટીમ ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં કેનાલમાં યુવાનની શોધખોળ ચાલુ રખાતા બે કલાકની જહેમત બાદ કાળો શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી આવી હતી. આથી લાશ બહાર કાઢી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ઓળખ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવાન ખોડુ ગામનો જયેશભાઇ પ્રેમજીભાઇ મકવાણા હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી લાશ પીએમ અર્થે રાજકોટ મોકલી આપી પરીવારજનોને સોંપવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.