ડીસામાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક પ્રોવિઝન સ્ટોર્સમાંથી બે ગઠિયાઓ દુકાન માલિકને છેતરીને પૈસા ભરેલુ પર્સ ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે અજાણા ગઠિયાઓની તપાસ હાથ ધરી છે.

ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા અમૃતલાલ ઠક્કર જુના બસ સ્ટેન્ડ પાસે સંતોષી માતાના મંદિરની સામે આવેલ સદાશિવ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ચલાવે છે અને કરિયાણાનો માલ સામાન વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ બપોરના સમયે દુકાનમાં એટલા બેઠા હતા તે સમયે અજાણ્યો 20 વર્ષીય યુવકે આવી તેમને દુકાનની બાજુમાં પૈસા પડ્યા હોવાનું જણાવતા અમૃતલાલ પૈસા લેવા માટે બાજુમાં ગયા હતા.

દુકાન માલિક જેવા દુકાનની બાજુમાં પડેલા પૈસા લેવા માટે ગયા તે સમયે તેમની નજર ચૂકવી અન્ય એક યુવક તેમની દુકાનમાં ઘૂસી જાય છે અને પૈસા ભરેલો થેલો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં મોડી સાંજે દુકાનમાંથી પૈસા ચોરાયા હોવાનું માલુમ પડતા જ અમૃતલાલે દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં અજાણ્યા બે ગઠિયાઓ તેમની નજર ચૂકવી અંદાજિત 15 હજાર રૂપિયા ભરેલો થેલો ઉઠાવી ગયા હોવાનું દેખાયું હતું. જે મામલે દુકાન માલિકે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ગઠિયાઓની તપાસ હાથ ધરી છે.