પાલનપુર આબુ હાઇવે બિહારીબાગ સામે આવેલા પેટ્રોલ પંપે રાત્રે 3:30 કલાકે એકટીવા લઈને આવેલા ત્રણ શખ્સોએ સ્વાઇપ મશીન ચોરી લીધું હતું. જે પછી 19 દિવસ બાદ પેટ્રોલ પંપના પેટીએમ એકાઉન્ટથી રૂ. 2.30 લાખ ગ્રાહકોના ખાતામાં ઓનલાઇન રિફંડ કરી ઠગાઈ આચરી હતી. બિહારી બાગની સામે આવેલા શિવ ફ્યુઅલ સ્ટેશને 21 એપ્રિલ 2023ની રાત્રે 3:30 કલાકે ત્રણ શખ્સો એકટીવા લઈને આવ્યા હતા. જેમને પેટ્રોલ પંપે નોકરી કરતા પાલનપુરના વાસડાના સુનિલ મકવાણા અને અંકિતભાઈ પ્રતાપજી ઠાકોરે 70 રૂપિયાનું પેટ્રોલ આપ્યું હતું.
જે પછી વહેલી સવારે 5:00 વાગ્યે ગાડી ડીઝલ પુરાવા આવતા તેમણે પેટીએમ સ્વાઇપ મશીન દ્વારા પૈસા જમા કરાવવાનું કહ્યું હતું. જોકે, મશીન ન હોવાથી સીસીટીવી કેમેરા ચેક કરતાં શખ્સો ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. આથી પેટ્રોલ પંપના મેનેજર કબીરપુરાના હાર્દિકભાઈ ચૌધરીએ 24 એપ્રિલે સ્વાઇપ મશીન બ્લોક કરાવવા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અરજી આપી હતી. એના 19 દિવસ બાદ 10 મે 2023ના દિવસે પેટીએમ બિઝનેસ એકાઉન્ટમાં જમા થયેલી રકમ પૈકી ટ્રાન્ઝેક્શન કરી રૂ. 2,30,225 ઓનલાઇન જે તે ગ્રાહકોના ખાતામાં રિફંડ કરી દીધા હતા. મેનેજર હાર્દિકભાઈ ચૌધરીએ પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર ક્રાઇમ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, પેટ્રોલ પંપના સંચાલકે ગ્રાહકો ઓનલાઇન નાણાં જમા કરાવી પેટ્રોલ પુરાવી શકે તે માટે પેટીએમમાં બિઝનેસ એકાઉન્ટ બનાવ્યું હતું. ગ્રાહકોના ક્યુ.આર. કોડ તેમજ એટીએમ કાર્ડ દ્વારા એકાઉન્ટ નંબર 9512012252માં નાણાં જમા થતા હતા. જે સ્વાઇપ મશીન ઓટોમેટીક હતું. એક વખત પાસવર્ડ આપ્યા પછી બીજી વખત આપવો પડતો ન હતો. આથી મશીન ચોરી કરનાર શખ્સોએ 10 મે ના એક જ દિવસે જમા થયેલી રકમ જેતે ગ્રાહકોના કયુ.આર. કોડ તેમજ એટીએમ સ્વાઈપ થયા હતા. તે નંબરોમાં આ રકમ રિફંડ કરી દીધી હતી.
પેટ્રોલપંપનું સ્વાઇપ મશીન ચોર્યા પછી ગ્રાહકોએ પુરાવેલા ઇંધણના નાણાં તેમના ખાતામાં પરત રીફંડ કરી છેતરપીંડી આચરી છે. જેની તપાસ બાદ ખ્યાલ આવશે કે કેટલા ગ્રાહકોને નાણાં પરત અપાયા છે. તેમજ કેટલા નાણાં નાંખ્યા છે. - બી.પી. મેઘલાતર (પી.આઇ. સાયબર ક્રાઇમ,)