ડીસામાં દોઢ વર્ષ અગાઉ લગ્ન કરેલ યુવતીના સાસરિયાઓએ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી મારઝૂડ કરી દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પીડિત યુવતીએ તેના પતિ, દિયર અને સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં રહેતી એક યુવતીના લગ્ન દોઢ વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ સરગમ બંગ્લોઝ ખાતે રહેતા વિજય માળી સાથે થયા હતા. શરૂઆતમાં ઘર સંસાર બરાબર ચાલ્યા બાદ સાસરિયાઓએ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન યુવતી ગર્ભવતી થતા તેના પતિ સહિત સાસરીયાઓએ જબરજસ્તીથી તેને ગોળીઓ ખવડાવી ડીસાની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. જે અંગેની જાણ થતા યુવતીના માતા-પિતા તેને પિયર લઈ ગયા હતા.
ત્યારબાદ સામાજિક દબાણ લાવી સમાધાન કરતા ફરીથી યુવતી તેના સાસરીમાં ગઈ હતી. પરંતુ તેના સાસરીયાઓએ તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું અને યુવતીને વારંવાર મારઝૂડ કરતા હતા. તેમ છતાં પણ યુવતી ઘરસંસાર ન બગડે તે માટે દુઃખ સહન કરે જતી હતી. તેમજ વારંવાર યુવતીને હેરાન કરી ગુસ્સામાં લાવી તેનો વિડીયો ઉતારી તે માનસિક અસ્થિર હોવાના આક્ષેપો કરી વીડિયોનો દૂર ઉપયોગ કરતા હતા.
ત્યારબાદ યુવતીના માતા પિતા પાસે મોટી રકમની દહેજની માંગણી કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને ફરી ઘરમાં પગ મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળેલી પીડિત યુવતીએ તેના પતિ વિજય માળી,સસરા અશોકભાઈ માળી અને દિયર દિપક માળી સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.