પાવીજેતપુર તાલુકામાં શિષ્યવૃત્તિ મેળવવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાના કેમ્પમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓને ધર્મ ધક્કા
પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના આધાર નંબર બેન્ક ખાતા સાથે લીંક કરવા માટે કેમ્પ યોજાયો હતો જેમાં કેટલાક બેન્કના કર્મચારીઓ સિસ્ટમ સાથે હાજર ન રહેતા ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓને ધર્મ ધક્કા ખાઈ પાછા ફરવું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક અને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓના આધાર નંબર બેન્ક ખાતા સાથે લિંક કરવાના હોય જેથી શિષ્યવૃત્તિના નાણાં ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, વિદ્યાર્થીઓ બેંકમાં આધાર નંબર પોતાના એકાઉન્ટ સાથે લિંક કરવા જાય છે અને ધક્કા ખાઈ પાછા ફરતા હોય જે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના ધ્યાને આવતા તેઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા કલેક્ટરશ્રીએ તાત્કાલિક મીટીંગ બોલાવી એક જ દિવસમાં એક જ સ્થળેથી તાલુકાના તમામ આદિવાસી વિદ્યાર્થીઓને આધાર લિંક થઈ જાય તેવું આયોજન કરી, તમામ સંબંધિત અધિકારી કર્મચારીઓ સાથે મીટીંગ કરી ૨૩ મેના રોજ પાવીજેતપુર તાલુકાના વિદ્યાર્થીઓ માટે પાવીજેતપુર ખાતે શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા ની ૨૨ જેટલી શાળાના આચાર્ય શિક્ષકો વેકેશન દરમિયાન પણ કામે લાગી જય તમામ વિદ્યાર્થીઓ સ્થળ ઉપર હાજર રહે અને એક જ દિવસમાં કામ પતી જાય તેવા શુભ આશયથી મહેનત કરી ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓને કેમ્પમાં ભેગા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એસબીઆઇ શાખામાંથી સિસ્ટમ સાથે કોઈ અધિકારી કે કર્મચારી આવ્યા ના હતા. એસબીઆઇ શાખાના ઉપસ્થિત કર્મચારીએ ફોર્મ ભરાવી લિંક કરવાની ખાતરી આપી હતી. પરંતુ સિસ્ટમ સાથે ન હોવાના કારણે કેટલાય વિદ્યાર્થીઓ વાલીઓને વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. તેમજ તમામ બેંકના તમામ બ્રાન્ચ માંથી કર્મચારીઓ ન આવવાના કારણે લીંક થયું હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓને જે તે બેંકમાં જઈ ખરાઈ કરાવી પડશે.
આમ, વિદ્યાર્થીઓને ગરમીમાં ધક્કા ખાવા ન પડે તે હેતુસર છોટાઉદેપુર ના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ કલેક્ટરે એક જ દિવસે બધા જ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક થઈ જાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક કર્મચારીઓ પોતાની સિસ્ટમ સાથે સ્થળ ઉપર ઉપસ્થિત ન રહેતા " પાણીનું નામ ભુ " જેવી જ પરિસ્થિતિ થવા પામી હતી. તો કેટલાક આધારકાર્ડમાં ફિંગર પ્રિન્ટ અપડેટ ન થવાના કારણે પણ લિંક થતા ન હતા. તો તંત્ર દ્વારા બેંકના દરેક બ્રાન્ચ ના કર્મચારીઓ પોતાની સિસ્ટમ સાથે તેમજ આધારકાર્ડ અપડેશન માટે પણ કર્મચારી સિસ્ટમ સાથે ઉપસ્થિત રહે અને એક જ દિવસમાં એક જ સ્થળેથી તમામે તમામ તાલુકાના વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક થઈ જાય તેવું આયોજન કરાવે તેવી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ વાલીઓની માંગ ઉઠી હતી.