વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે રવિવારે ૯૭.૯૨ ટકા મતદાન થયું હતું. કુલ ૮૦૦ મતદારો પૈકી ૭૮૧ મતદારોએ મતદાન કર્યુ હતું.માર્કેટીંગ યાર્ડમાં વેપારી વિભાગના ૪, ખેડુત વિભાગના ૧૦ અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક મળીને કુલ ૧૬ બેઠકની ચુંટણી જાહેર થયા બાદ વેપારી વિભાગની ચાર બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. ખેડુત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૯ ઉમેદવારો મેદાનમાં હતા. અને ખરીદ વેચાણ સંઘની ૨ બેઠક માટે ૩ ઉમેદવારો મેદાનમાં હતા. રવિવારે આ ૧૨ બેઠકો માટે સવારથી મતદાન યોજાતા સાંજ સુધીમાં ૯૭.૯૨ ટકા મતદાન થયું હતું. ખેડુત વિભાગમાં ૫૭૦ મતદારો પૈકી ૫૬૬ મતદારોએ મતદાન કરેલ હતું. જ્યારે ખરીદ વેચાણ સંઘના ૨૩૦ મતદારો પૈકી ૨૧૫ મતદારોએ મતદાન કરેલ હતું. કુલ ૮૦૦ મતદારો પૈકી ૭૮૧ મતદારોએ મતદાન કરીને ૨૨ ઉમેદવારોનું ભાવી સીલ કરેલ હતું.