મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2 લાખથી વધુની માગણી કરાતા મેનેજર દ્વારા ખરાઇ કરી હતી.આથી નકલી હોવાનું ધ્યાને આવતા પોલીસને બોલાવવા સહિત કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૂળી તાલુકામાં અસામાજીક પ્રવૃતિઓ જાણે માજા મૂકી હોય તેમ અનેક બનાવો સામે આવે છે. ત્યારે શુક્રવારે બપોરનાં સમયે મૂળ રાજકોટ ગામનાં અતુલભાઇ રાઠોડ નામના શખસ સરા એસબીઆઇમાં મેનેજરને મળી મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી એક નિરાધાર વૃધ્ધાનાં મકાન માટે 2 લાખ રૂપિયા સ્ટાફ દ્વારા ભેગા કરી આપવા માગ કરાઇ હતી. જેથી બેંક મેનેજરને શંકા જતા મૂળી મામલતદાર કચેરીમાં સંપર્ક કરી તપાસ કરતા આવા કોઇ વ્યક્તિ સ્ટાફમાં ન હોવાનું માલૂમ પડતા અને આઇ કાર્ડ માંગતા અતુલ રાઠોડ દ્રારા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.જેથી મેનેજરે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરા આઉટપોસ્ટનાં હરપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ મૂળી પોલીસ સ્ટેશન આવે છે કર્મચારીની ખોટી ઓળખ આપવા સાથે નાણા માગવા બાબતને લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.