દિયોદરના કોતરવાડા સનેસડા રોડ પર બાઈક અને ટેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. બાઈક સવાર સંજય ઠાકોર કોતરવાડા ગામે કામ અર્થ ગયેલા હતા. કામ પતાવી ઘરે પરત ફરતી વખતે ટ્રેક્ટર સાથે અકસ્માત થતા સંજયભાઈનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોતરવાડા સનેસડા રોડ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર સંજય ઠાકોરનું મોત નીપજ્યું છે. જેમાં મરણ જનાર સંજયભાઇ મોટરસાયકલ લઇ કોતરવાડા ગામે પાઇપનો શોકેટ લેવા માટે ગયા હતા અને કોતરવાડાથી સનેસડા પરત આવતા હતા.
તે વખતે સનેસડાથી કોતરવાડા તરફ ટ્રેકટર GJ - 09 - A D - 5492 ના ચાલકે ટ્રેકટર પુરઝડપે ચલાવી સંજયભાઇના મોટરસાયકલને સામેથી ટક્કર મારી હતી. જેથી સંજયભાઇને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે સ્થાનિકો એકત્ર થઈ પોલીસ તેમજ 108 ને જાણ કરી હતી. જે બાદ લાશને સરકારી હોસ્પીટલ દિયોદર ખાતે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.