ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેથી અજાણ્યા યુવકની મળેલી લાશનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાજ ઉકેલી દીધો છે. જેમાં જમવા જેવી નજીક બાબતે તકરાર થતા મિત્રએ જ મિત્રને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
ડીસા-પાલનપુર હાઇવે પર માર્કેટયાર્ડની સામે એલિવેટેડ બ્રિજ નીચે ગઈકાલે શંકાસ્પદ એક અજાણ્યા શ્રમજીવી યુવકની લાશ મળી આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આ મામલે સતર્ક બની ત્વરિત તપાસ હાથ ધરી આજુબાજુના સીસીટીવી તેમજ લોકોની પૂછપરછ કરતા મૃતક યુવક વિઠોદર ગામનો શ્રવણજી વિરમાજી રાવળ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક શ્રવણજી પેડલ રીક્ષા લઈ મજૂરી કરતો હોવાથી તેની સાથે કોણ હોય છે તે અંગે પોલીસે આજુબાજુના વેપારીઓ તેમજ માર્કેટયાર્ડના મુખ્ય ગેટના સીસીટીવી ચેક કરતા મૃતક શ્રવણજી તેના મિત્ર ઇશ્વરજી શંકરજી મકવાણા માર્કેટયાર્ડમાંથી જમવાનું પાર્સલ લઈ બ્રિજ નીચે આવ્યા હોવાનું દેખાયું હતું.
પોલીસે તરત જ તેના મિત્ર ઈશ્વરજી મકવાણાની શોધખોળ હાથ કરી હતી અને તેને પકડી પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી અને તે દરમ્યાન ઉશ્કેરાયેલા ઈશ્વરજી મકવાણાએ શ્રવણજીને માથામાં બોથડ વસ્તુના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.