તારાપુર તાલુકાના ઉંટવાડા ગામે બુધવારે મોડી સાંજના સુમારે એક બાઈક સવારના મોઢા ઉપર મરચાની ભૂકી નાખીને મોબાઈલ ફોન સોનાના દાગીના તેમજ રોકડ મળીને કુલ ૩૬ હજારની મત્તાની લૂંટ કરાઈ હોવાનો ચોકાવનારો બનાવ બન્યો છે.જોકે ભોગ બનનારની પૂછપરછમાં લૂંટની હકીકતને કોઈ સમર્થન ના મળતા પોલીસે હજુ સુધી કોઈ ગુનો દાખલ કર્યો નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા તાલુકાના ચાનોર ગામે રહેતો ઇમરાનમીંયા યુસુફમીંયા મલેક ઉંમર ૩૧ ધંધુકા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. તેની સાસરી ખંભાત ખાતે થાય છે જ્યાં લગ્ન પ્રસંગ હોય બે ત્રણ દિવસથી બાઈક લઈને ઘરેથી ખંભાત ખાતે અવર-જવર કરે છે.બુધવારે ચાનોરથી બાઇક લઈને ખંભાત તરફ જવા નીકળ્યો હતો તે દરમિયાન સાંજના સાતથી આઠ વાગ્યાની વચ્ચે ઊંટવાળા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે બે જાણ્યા ઈસમોએ મોઢા ઉપર મરચાની ભૂકી નાખી હતી.જેથી તે એકદમ ઢગાઈ ગયો હતો અને બાઇક ઊભું કરી દીધું હતું.એ સાથે જ બંને શખ્સોએ મારામારી કરીને સોનાની વીંટી, ચાંદીની લકી રોકડા તેમજ રોકડા 17,000 મોબાઈલ ફોન મળીને કુલ 36,000 ની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલો તારાપુર પોલીસ મથકે પહોંચતા પીઆઇ જીગર પટેલે તેની પૂછપરછ કરી હતી જેમાં તે વારે ઘડીએ નિવેદન બદલતો હતો જેને લઈને તેણે લૂંટનું તરક્ટ રચ્યું હોવાનું લાગતા પોલીસે તે અંગે કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કર્યો નથી.અને ખરેખર લૂંટ થઈ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

પી.આઈના જણાવ્યા, અનુસાર જો સોનાની વીંટી ની લૂંટ થઈ હોય તો આંગળીના ભાગે વીંટી પહેર્યાનું નિશાન તેમજ જો મોઢા ઉપર કે આંખમાં મરચાની ભૂકી નાખી હોય તો બળતરા થાય અને તે અંગેનો કોઈ ચિન્હો મળવા જોઈએ તે પણ મળ્યા નથી. જેથી ફરિયાદીએ કોઈ કારણોસર લુંટની ખોટી હકીકત ઉજાગર કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જો ખરેખર લૂંટ થઈ હશે તો ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવશે.