કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે તારીખ ૫ થી ૭ જુલાઈ અને તારીખ ૧૨ થી ૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ આર્યા યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકસાવતી ત્રી-દિવસીય આવાસી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેવા ફાઉંડેશન, અમદાવાદ સાથે જોડાયેલા વિવિધ સ્વસહાય જૂથોની કુલ ૫૨ જેટલી બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમોની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડાના વિસ્તરણ શિક્ષણ વિષયના નિષ્ણાંત કલ્પેશકુમાર ટાંકોદરાએ સર્વેનું શાબ્દીક સ્વાગત કરી કેન્દ્રની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. પી. કે. શર્મા દ્વારા કેન્દ્ર ખાતે કાર્યરત આર્ય યોજના અંગે પોતાના વક્તવ્યો આપ્યા હતા. ત્યારબાદ કેન્દ્રના બાગાયત વિષયના નિષ્ણાંત એમ. કે. ચૌધરીએ માસ્ટર ટ્રેનર તરીકે તાલીમાર્થી બહેનોને ત્રણ દિવસ સુધી ઉદ્યોગસાહસિકતા વિકસાવવાના હેતુ થી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કારેલા, ગુવાર અને કરમદા જેવા ઋતુગત શાકભાજી પાકોની હીટ પમ્પ ફૂડ ડીહાયડ્રેટર મશીન દ્વારા સુકવણી, પી. કે. વી. મિનિ દાળમીલ દ્વારા મગ, અડદ અને ચણા જેવા કઠોળની દાળ બનાવવી, હોમ સ્કેલ મિનિ રાઈસ મીલ મશીન દ્વારા ડાંગર માંથી ચોખા તૈયાર કરવા, સ્પાયરલ ક્લીનર દ્વારા કઠોળ અને અનાજની સફાઇ અને ગ્રેડિંગ કરવું અને મિલ્ક ક્રીમ સેપરેટર મશીન દ્વારા દૂધના મૂલ્યવર્ધન અંતર્ગત ક્રીમ અને સેપરેટેડ મિલ્ક બનાવવા તથા ક્રીમ માંથી ઘી અને સેપરેટેડ મિલ્ક માંથી દહીં બનાવવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તદુપરાંત "ટોમેટો ક્રશ" તકનીકી અંતર્ગત ટામેટા માંથી “ટોમેટો ક્રશ” બનાવવાના વિવિધ તબક્કા અને તેના માટે ઉપયોગમાં લેવાતા સાધનો અંગેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ત્રી દિવસીય તાલીમ કાર્યક્રમોના અંતે કેન્દ્રના પશુપાલન વિષયના નિષ્ણાંત ડૉ. કે. એ. પ્રજાપતિ દ્વારા તાલીમાર્થી બહેનો પાસે થી તાલીમ અંગેના પ્રતિભાવો મેળવી અને આભારવિધિ કરવામાં આવી હતી.