પાટડી તાલુકાના એરવાડા-એછવાડા ગામ વચ્ચે બાઇક સ્લીપ ખાઈ જતા યુવાનનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો. લગ્ન પ્રસંગમાંથી મોટરસાયકલ પર પરત આવતા સમયે બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. દસાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના એછવાડા ગામનો અંકેશભાઈ જગદીશભાઈ દેકાવાડીયા અને પ્રદીપસિંહ મેરુભા વાઘેલા પોતાનુ બાઇક લઈને શંખેશ્વર તાલુકાના ખંડીયા ગામે લગ્નપ્રસંગે ગયા હતા. અને લગ્નપ્રસંગ પતાવી બંને યુવાનો ખંડીયાથી એછવાડા ગામે જવા પરત નિકળ્યા હતા. જે દરમ્યાન એરવાડાથી નિકળી એછવાડા તરફ આવતા પ્રદીપસિંહ વાઘેલા ફૂલસ્પીડમા બાઇક ચલાવતા હોય અને અંકેશભાઈ પાછળ બેઠા હોય તે દરમ્યાન એરવાડા પાસે આવેલા વેદરશી તળાવના વણાંકમા બાઇક ફૂલ સ્પીડમાં હોવાથી સ્લીપ ખાઈ જતા બંને યુવાનો રોડ નીચે પટકાયા હતા.જેમાં અંકેશભાઈને ડાબા પગે ઘૂંટણના ભાગે ઇજા થઇ હતી અને પ્રદીપસિંહને જમણી આંખ ઉપર કપાળના ભાગે ઇજા થતા લોહી નીકળવા લાગતા બંનેને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાં અંકેશભાઈને ડાબા પગની ગડીમાં ફ્રેકચર તથા પ્રદીપસિંહને ગંભીર ઇજાઓ થઈ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. દસાડા પોલીસ આ ઘટના અંગે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.