ડીસામાં આજે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી.

ડીસામાં છેલ્લા ઘણા સમયથી ખાર્ધ ચીજવસ્તુઓમાં મોટપાયે ભેળસેળ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમજ જાગૃત નાગરિકોએ પણ ફરિયાદ કરતા ફૂડ એન્ડ વિભાગની ટીમે આજે ફરી એકવાર ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તેલની ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા. જેમાં અમર ઇન્ડસ્ટ્રીઝ અને અણધડેશ્વર ઓઇલ મિલમાં તપાસ હાથ ધરી હતી.

ડીસા વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી તેમજ તેમની ટીમે ફેક્ટરીઓમાં દરોડા પાડી અલગ અલગ શંકાસ્પદ તેલના સેમ્પલ લીધા હતા. તેમજ ફેક્ટરીમાં બનતા તેલની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે લીધેલા સેમ્પલ તપાસ અર્થે સરકારી લેબમાં મોકલી આપવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેલની ફેક્ટરીના માલિકો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સપાટો બોલાવી રહ્યું છે. અગાઉ પણ પનીર અને દૂધ સહિતની બનાવટોની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓ, ઉનાળામાં કેરી સહિતના જ્યુસ વેચતા દુકાનોમાં પણ ફૂડ વિભાગે તપાસ કરી હતી. ત્યારે ફૂડ વિભાગની વારંવાર તપાસથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.