બનાસકાંઠાના ડીસામાં આવેલ વિવાદિત બગીચા મામલે નગરપાલિકાને વધુ એક નોટિસ આપવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે બગીચાને લોકો માટે શરૂ કરવાનો આદેશ કર્યો હોવા છતાં પણ આજ સુધી બગીચો ખુલ્લો મુકવાના ન આવતા અરજદારે નગરપાલિકાને નોટીસ આપી છે.

ડીસામાં સવા બે કરોડ રૂપિયાના ખર્ચે નાનાજી દેશભક્તિ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના આંતરિક વિખવાદના કારણે ટેકનિકલ પ્રશ્નો ઊભા થતા આ બગીચા પર સ્ટે આવ્યો હતો. ત્યારબાદ જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં પણ તેનો કોઈ જ ઉકેલ ના આવતા આખરે જાગૃત નાગરિક સુભાષ ઠક્કરે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં હાઈકોર્ટે બગીચો ચાલુ કરવા માટેનો હુકમ કર્યો હતો. જો કે આ હુકમ થયા બાદ પણ હજુ સુધી બગીચો શરૂ કરવામાં ન આવતા ફરી એકવાર અરજદાર સુભાષ ઠક્કરે નગરપાલિકાને નોટિસ આપી કોર્ટ ઓફ કન્ટેમપ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

આ નોટિસ અંગે જાગૃત નાગરિક અને વકીલ સુભાષ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ વિખવાદના કારણે બગીચા પર સ્ટે હોવાથી ઘણા સમયથી બંધ હતો. જેથી અમે હાઈકોર્ટ સુધી રજૂઆત કરી બગીચાને ખુલ્લો કરાવવા માટેનો હુકમ કરાવ્યો હતો. હાઈકોર્ટે હુકમ કર્યા હોવા છતાં પણ હજુ સુધી બગીચો શરૂ કરાયો નથી,જેથી અમે નગરપાલિકાને નોટિસ આપી છે અને તેની સામે કોર્ટ ઓફ કન્ટેમપ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, તેઓને હજુ સુધી આ મામલે કોઈ જ નોટિસ મળી નથી. હાઈકોર્ટે હુકમ કરતાં તરત જ બગીચો ચાલુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જ્યારે બગીચો બંધ હતો ત્યારે તેમાં આગ લાગવાના કારણે મોટુ નુકસાન થયું હતું. જે બગીચો રીનોવેશન કરાવી ફરીથી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.