પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા સ્તરે લોકાર્પણ સમારોહ યોજાશે

પોરબંદર.તા.૧૧, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સુચારુ આયોજન થાય તે માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી કે. ડી. લાખાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના ૫૦ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં વર્ચ્યુઅલી જોડાશે.

જિલ્લા કલેક્ટરશ્રી કે. ડી.લાખાણીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમજ ગાંધીનગર ખાતે જઈ રહેલા લાભાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે પણ તેમણે સૂચના આપી હતી.     

જિલ્લામાં યોજાનારા કાર્યક્રમો પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય સ્તરે ૧૬ ગામોમાં આ કાર્યક્રમ યોજાશે, જ્યારે શહેરી વિસ્તારમાં તમામ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે.

        કાર્યક્રમના દિવસે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમ, જાહેર સ્થળોની સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આ ઉપરાંત પર્યાવરણને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા, રંગોળી, મકાનોને તોરણ બાંધવા, કળશ સ્થાપન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી નિહાળવામાં આવશે.

      આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.કે.જોશી, પ્રાંત અધિકારી પોરબંદરશ્રી કે.જે.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી રેખાબા સરવૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.