નવાબી નગર તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કર્મીઓની હડતાળને પગલે વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગ ખડકાયા છે અને ગટરો ઉભરાવાના કારણે રોગચારાએ માથું ઉચક્યું છે. પ્રજાજનોની સમસ્યા નિવારણ માટે પાલિકા તંત્ર ખાડે ગયું હોવાનો રોષ જાગૃતજનોએ ઠાલવ્યો છે.

ખંભાત નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈને છેલ્લા ઘણા સમયથી ખંભાતના શહેરીજનો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનો રોષ જાગૃતજનો એ વ્યક્ત કર્યો છે.નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા છઠ્ઠા પગાર પંચની માગણી કરાઈ હતી સાથે સાથે તેઓનો પગાર નિયમિત ન થતો હોઈ તે અંગે રજૂઆત બાદ પણ પાલિકા સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે.જેને લઈને શહેરના લાલ દરવાજા, ત્રણ દરવાજા, જૂની મંડાઇ મોચીવાડ, શાકમાર્કેટ, જહાંગીરપુર, અકબરપુર પાંચ હાટડી, સહિતના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે.સાથે સાથે સફાઈ ના અભાવે વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા પણ ઉદભવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગટરોનો ગંદો પાણી ઘર વપરાશના પાણીમાં ભ જતા  ઝાડા ઉલટીના કેસો નોંધાવાની પણ શરૂઆત થઈ છે. આંતરિક રાજકારણમાં પ્રજાજનોને ભોગવવાનો વારો આવ્યો હોવાનો જાગૃતજનો જણાવી રહ્યા છે.

આ અંગે ખંભાત શહેરના કોંગ્રેસના કાઉન્સિલર ઇફ્તેખાર યમનીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરતા પાલિકા સત્તાધીશોની અણઆવડતને કારણે પ્રજા શોષાઈ રહી છે.અવારનવાર આવી અનેક તકલીફોનો તંત્ર દ્વારા કોઇ નિરાકરણ ન કરાતા અંતે તો પ્રજાજનોને જ ભોગવવાનો વારો આવે છે.

આ અંગે ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.ડી.રાઠોડ એ જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે નવી ભરતી કરાયેલ સફાઈ કર્મીઓ દ્વારા પગાર પંચ મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી. જો કે કાયમી કર્મચારીઓ ફરજમાં ચાલુ છે. ચારથી પાંચ મીટીંગ કરવામાં આવી છે. અને સમાધાન થઈ ગયું છે ટૂંક સમયમાં તેઓના પ્રશ્નોનો નિકાલ આવી જશે.

(સલમાન પઠાણ-ખંભાત)