રાયપુર કેનાલમાંથી મળેલી લાશનો ભેદ પાવીજેતપુર પોલીસે ઉકેલ્યો : જૂના પ્રેમીનો કાંટો પ્રેમિકા સાથે મળી નવા પ્રેમીએ કાઢ્યો : બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

       પાવીજેતપુરમાં રાયપુરની કેનાલમાંથી દશ દિવસ પહેલા મળેલી લાશ મામલે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપવાનું ચાલુ કર્યું હતું જેમાં બીજો આરોપી શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની પાવીજેતપુર પોલીસે ધરપકડ કરી છે અને બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે તે મંજુ કર્યા છે.

      પાવીજેતપુરમાં રાયપુર કેનાલમાંથી દશ દિવસ પહેલા મોટી દુમાલીનાં નિલેશભાઇની લાશ મળી આવી હતી, જેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, આ સંદર્ભે મૃતક નીલેશના ભાઈ પ્રકાશભાઇએ પાવીજેતપુર તાલુકાના પાલીયા ગામની જયા રાઠવા તેમજ પાવીજેતપુરના શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની ઉપર શંકા દર્શાવતા પાવીજેતપુર પોલીસે બન્ને સામે શંકા હોવાનો ગુનો દાખલ કર્યો હતો. અને સૌથી પહેલા જયા રાઠવાની મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની મધરાત્રે અટકાયત કરીને છોટાઉદેપુર લઈ જવાયો હતો, અને ત્યારબાદ પાવીજેતપુર પોલીસને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી છે.

      પાવીજેતપુર પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે મંજૂર કર્યા હતા.

રિમાન્ડ માંગવાના કારણો

મોટર સાયકલ કોણે સળગાવી ?

ગુનામાં જે વાહન વપરાયું છે તે અંગે પૂછપરછ કરવા

મરણ જનારનો મોબાઈલ ક્યાં સંતાડ્યો અથવા નાશ કર્યો તે અંગે

આ હત્યામાં અન્ય વ્યક્તિ સામેલ છે કે કેમ

મરણ જનાર તેમજ આરોપીઓની કોલ ડિટેલ બનાવ દરમિયાન તેમજ બનાવ બાદ કોણે કોલ કર્યા તેની માહિતી લેવા

આ હત્યામાં આરોપીઓને કોઈ સોપારી આપી હતી કે કેમ 

તે અંગેની વિગતો મેળવવાની બાકી હોવાથી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

હત્યાની સિલસિલાવાર હકીકત

    

       પાવીજેતપુર તાલુકાના રાયપુર કેનાલમાંથી મળેલ યુવકની લાશનો ભેદ પાવીજેતપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે નવા પ્રેમી સાથે મળી યુવતીએ જુના પ્રેમીની કારના સીટ બેલ્ટ વડે ગળું દબાવી હત્યા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે     

      સમગ્ર ઘટનાની વાત કરીએ તો તા.૨૫ એપ્રિલના રોજ જયાએ અપ્પુ સોનીને કોલ કરીને ઉમરવા તારાપુર ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. અપ્પુ પોતાની કાર લઇ જયાને મળવા ઉમેરવાની સીમમાં ગયો હતો અને શ્રેયસ ઉર્ફે અપ્પુ અને જયા રાઠવાએ બિયર પીને બન્ને પ્રેમીઓ નશામાં ચકનાચૂર થઇ ગયા હતા. બન્ને વચ્ચે નિલેશ સંદર્ભે વાતચીત થઇ હતી. જેમાં અપ્પુએ કહ્યું કે મેં તને પહેલેથી જ કીધું હતું કે નિલેશ તને રાખવાનો નથી. જ્યા ખૂબ નશામાં હતી અને અપ્પુ સાથેની વાતચીતમાં ઉશ્કેરાટમાં આવી જતાં નિલેશને કોલ કરીને તેણે મળવા બોલાવ્યો હતો અને બાદમાં બન્નેએ ભેગા મળીને નિલેશનું મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન બનાવ્યો હતો.

              શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને જયાએ કિકાવાડા ગામેથી આંઠ બિયર લીધી હતી. બન્ને કોરાજ પહોંચ્યા અને કોરાજના નિર્માણાધિન મંદિરની પાછળ અપ્પુ સોની છુપાઇ ગયો હતો. જયા અને નિલેશે બિયર ગટગટાવ્યું અને જયાએ નિલેશને કહ્યું તું મારી સાથે લગ્ન કરવાનો હતો તેનું શું કર્યું? નિલેશ પણ નશામાં ચૂર હતો. નશામાં ધૂત નિલેશ ભાન ભૂલેલો હતો અને તેણે જયા સાથે બેફામ વાણી વિલાસ કર્યો. નારાજ જયાએ મંદિરમાં સંતાયેલા અપ્પુ સોનીને બોલાવ્યો. અપ્પુ અને જયાએ ભેગા મળી નિલેશનું ગળું દબાવી ત્યાંજ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો કારમાં બંને જણે ટીંગાટોળી કરી નિલેશનો મૃતદેહ નાંખી રાયપુર કેનાલ પાસે લઇ ગયા. કેનાલમાં મૃતદેહ નાખવાનો પ્રયાસ કર્યો પણ આખો મૃતદેહ કેનાલમાં ગયો ન હતો.

      પાવીજેતપુરના રાયપુર કેનાલ માંથી મોટી દુમાલિના પાવીજેતપુર પીએસઆઇ હરપાલસિંહ જેતાવતે પુરાવાઓ એકત્ર કરી જયા રાઠવાને મુંબઈથી જ્યારે અપ્પુ સોનીને પાવીજેતપુર થી ઝડપી અટક કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

      અપ્પુ અને જ્યાં પ્રેમમાં આવ્યા તેની સમગ્ર ઘટના વાત કરીએ તો નોકરીએ રાખી અપ્પુ જયાના જીવનમાં પ્રવેશ્યો પાવીજેતપુર નગરમાં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની જવેલરીની દુકાન ધરાવે છે. ૨૦૨૧ થી જયા રાઠવા અપ્પુની દુકાને નાનું મોટું કામ કરતી અને અપ્પુએ જયાને નોકરીએ રાખી લીધી હતી. બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી ધીમે ધીમે મિત્રતા પ્રેમ સંબંધોમાં ફેરવાયા હતા.તેઓનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો. જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી. નિલેશે જયાને રાખવામાં ગલ્લાં-તલ્લાં કરતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે 

       મોટી દુમાલી ગામનો નિલેશભાઈ ઈસાકભાઇ તેજગઢ ખાતે સલૂન ચલાવતો હતો. નિલેશના લગ્ન થઈ ગયા હતા અને ૪ મહિનાનું તેને બાળક પણ છે. હવે ચાર મહિનાના બાળક અને વિધવા પત્ની સુધાનું શુ થશે ? તે પરિવારજનોમાં ચિંતાનો વિષય બન્યો છે હાલતો પરિવારજનો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.