બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સપાટો બોલાવી રહી છે અને રાજસ્થાનથી ડીસામાં દારૂની હેરાફેરી કરતી ગેંગનો સાગરીત ઝડપાયો છે. જેમાં પોલીસે 5.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી હતી. જેથી ડીસા-ધાનેરા રોડ પર આવેલા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી અને ધાનેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સફેદ કલરની કારને થોભાવી તલાસી લીધી હતી.

જે ગાડીમાં તપાસ કરતા લાલ કપડાની નીચે દારૂની પેટીઓ સંતાડેલી હતી. જેથી પોલીસે તરત જ રાજસ્થાનના લુણીયાસર ગામનો કારચાલક ભીખારામ રબારીની અટકાયત કરી હતી. જ્યારે દારૂ અને ગાડી સહિત કુલ 5.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારચાલકની પ્રાથમિક પૂછપરછ કરી દારૂ ભરાવનાર સહિત તેના ભાગીદારો અને દારૂ મંગાવનાર સહિત સહિત કુલ સાત લોકો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. જે કેસની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે.