અમરેલીના બાબરકોટમાં પાંજરે પૂરાયેલી અને તે પહેલા રીતસર આંતક મચાવી ચૂકેલી સિંહણનું આખરે મોત થયું હતું. તે પહેલા વનવિભાગ દ્વારા આ સિંહણના સેમ્પલ લઇને પરિક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, હુમલાખોર સિંહણે એક જ દિવસમાં 6  લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતા. આ સિંહણનું મોત બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું.

આ ઉપરાંત એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યા છે. આ સિંહણે 3 દિવસ પહેલા અન્ય સિંહને બચકુ ભર્યું હતું. જેના કારણે તે સિંહ અને તેમના આખા ગ્રુપનું રેસ્ક્યુ ઓપરેશન કરી સ્કેનિંગ શરૂ કરાયું છે, કેમ કે જો હડકવા હોય તો અન્ય સિંહોમાં પણ મોટો રોગ ફેલાઈ શકે છે જેની તકેદારીના ભાગરૂપે અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમ્યાન પણ સિંહણ દોડધામ કરતી હતી. આ વચ્ચે સિંહણને પાંજરે પુરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.  ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહણના સેમ્પલ લેવાયા હતા અને તેવા સમયે સિંહણનું મોત નીપજ્યું હતું.