એક ફૂલ દો માલી : મોટી દુમાલીના યુવકની રાયપુર કેનાલમાંથી મળેલી લાશ મામલે હત્યાની આશંકા : બે પ્રેમી સામે શંકા હોવાની ફરિયાદ દાખલ
પાવીજેતપુર તાલુકાના રાયપુરની કેનાલમાંથી મોટી દુમાલીના યુવકની લાશ દશ દિવસ અગાઉ મળી આવી હતી, જે સંદર્ભે પરિવારજનોએ પ્રેમી જોડા સામે શંકા દર્શાવતી ફરિયાદ પાવીજેતપુરના પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે.
મોટી દૂમાલી ગામના રહેવાસી નિલેશભાઈ હરિજન ગત ૨૫ એપ્રિલના રોજ ઘરેથી સાંજના સમયે કામ અર્થે જઉં છું કહીને નીકળ્યો હતો, ત્યારબાદ બીજા દિવસ સુધી પણ ઘરે આવ્યો ન હતો, અને સવારમાં રાયપુર કેનાલથી નિલેશભાઇની લાશ મળી આવી હતી, આ અંગે પાવીજેતપુર પોલીસે અકસ્માત ગુનો નોંધી પોસ્ટ મોર્ટમ માટે લાશને મોકલી આપી હતી.
પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવતા નિલેશભાઇની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું બહાર આવતા જ પાવીજેતપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી. તપાસ કરતા મૃતકની બાઈક કોરાજ ગામની કેનાલ પાસેથી પલ્સર મોટર સાયકલ નં. જી.જે. ૦૬ એમ.સી. ૦૩૦૪ બળેલી હાલતમાં મળી આવી હતી, આ અંગે જ્યારે મૃતક નિલેશભાઈના મોટાભાઈને સ્થળ ઉપર બોલાવી પૂછતા તેઓએ આ બાઈક તેમના ભાઈ લઇને ગયા હોવાનું જણાવ્યું હતું.
પાવીજેતપુર પોલીસે મૃતકના ભાઈને પોલીસ સ્ટેશન બોલાવીને વધુ વિગતો મેળવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી, અને મૃતક નિલેશભાઇના પાવીજેતપુરના પાલીયા ગામની જયાબેન રાઠવા સાથે સંબંધો હોવાનું જણાવ્યું હતું, અને જયાબેન રાઠવા નિલેશભાઈ સાથે લગ્ન કરીને તેના ઘરે રહેવા માટે નિલેશભાઇની પત્નીને ફોન પર ધમકી આપતી હોવાનું પણ જણાવ્યું હતું અને જો તેમ નહિ કરે તો નિલેશને પણ મારી નાખવાની ધમકી આપતી હોવાની વાત જણાવી હતી.
બીજી બાજુ ફરિયાદી પ્રકાશભાઇએ પાલીયા ગામની જયાબેન રાઠવાને પાવીજેતપુરના શ્રેયસભાઈ ઉર્ફે અપ્પુભાઈ સોની સાથે પણ આડા સંબંધ હોવાની વાત જણાવી હતી. અને એક મહિના અગાઉ નિલેશભાઇની દુકાને આવીને તેમના ફરિયાદી ભાઇ પ્રકશભાઈને શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીએ નિલેશભાઇને જયાબેન સાથે સંબંધ નહિ રાખવા અને રાખશે તો તકલીફ થશે તેવી ધમકી આપીને ગયો હતો. ત્યારબાદ પણ જયાબેન અને શ્રેયસ સોની બન્નેએ નિલેશભાઇને ધમકી આપી હોવાની અને બન્નેએ જ નિલેશની હત્યા કરી હોવાની શંકા જતાવી ફરિયાદ કરતા પાવીજેતપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.