- રવિ દહિયા, નવીન સિહાગ અને વિનેશ ફોગટે ગોલ્ડ મેડલ જીત્યા
- મોહિત ગરેવાલ, દીપક નેહરા, પુજા સિહાગ અને પૂજા ગહલોતની બ્રોન્ઝ સફળતા
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજા દિવસે પણ ભારતીય કુસ્તીબાજોએ શાનદાર દેખાવ જારી રાખતાં ગોલ્ડન હેટ્રિક સર્જી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાએ ૫૭ કિગ્રા વજન વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે નવીન સિહાગે ૭૪ કિગ્રા વજનવર્ગમાં પાકિસ્તાનના મુહમ્મદ તાહિરને પરાસ્ત કરીને ગોલ્ડન સફળતા મેળવી હતી. ભારતની ટોચની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટે ૫૩ કિગ્રાના ફોર્મેટમાં તેના ત્રણેય મુકાબલા જીતીને ટોચનું સ્થાન હાંસલ કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ભારતના મોહિત ગરેવાલની સાથે પૂજા ગહલોતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ ટેલિને આગળ ધપાવી હતી. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૧૨ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ થઈ ગયા હતા. જ્યારે કુસ્તીમાં ભારતને છ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
રવિ દહિયાનો દબદબો : તમામ મુકાબલામાં એકતરફી જીત
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ ૫૭ કિગ્રા વજન વર્ગમાં તમામ મુકાબલામાં એક તરફી જીત હાંસલ કરી હતી. રવિએ ફાઈનલમાં નાઈજીરિયાના વેલ્સનને ૧૦-૦થી પરાજીત કર્યો હતો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સેમિ ફાઈનલમાં રવિએ પાકિસ્તાનના અસદ અલીને ૧૪-૪થી મહાત કર્યો હતો. તેણે ક્વાર્ટર ફાઈનલમાં ન્યુઝીલેન્ડના સુરજ સિંઘને ૧૦-૦થી હરાવ્યો હતો. રવિનો આ કોમનવેલ્થ ગેમ્સમાં સૌપ્રથમ મેડલ હતો.
વિનેશ ફોગટે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેળવ્યો
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને ૫૩ કિગ્રા વજન વર્ગમાં નોર્ડિક રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ત્રણેય મુકાબલામાં જીતી લઈને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. વિનેશે આ સાથે સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તે ૨૦૧૪માં ગ્લાસગોમાં ૪૮ કિગ્રામાં અને ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટમાં ૫૦ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીતી હતી. આ વખતે તેણે ૫૩ કિગ્રા વજન વર્ગમાં કેનેડાની સામંથા સ્ટુઅર્ટને ૨-૦થી, નાઈજીરિયાની એડેકુઓરોયેને ૬-૦થી અને શ્રીલંકાની મદુરાવલાગે સામે ૪-૦થી જીત હાંસલ કરી હતી.
નવીન સિહાગે ૭૪ કિગ્રામાં પાકિસ્તાનના તાહિરને પછાડી સુવર્ણ મેળવ્યો
ભારતીય કુસ્તીબાજ નવીન સિહાગે ૭૪ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. નવીને ફાઈનલમાં પાકિસ્તાનના તાહિરને પછડાટ આપીને સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. તેણે સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડના બોલિંગને ૧૨-૧થી મહાત કર્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં તેણે સિંગાપોરના લોહ હોંગ યેઓવ સામે ૧૦-૦થી જીત મેળવી હતી. અગાઉ રાઉન્ડ ઓફ ૧૬માં તેણે નાઈજીરિયાના જોનને ૧૩-૩થી પરાજીત કર્યો હતો.