ચક્રવૃદ્ધિ વ્યાજની પઠાણી ઉઘરાણી: ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ સામે 3 લાખના 55 લાખ લીધાનો આરોપ
ધાનેરાના જડીયા ગામના એક કર્મચારીએ સબંધમાં ઉછીના રૂપિયા 3 લાખ લેતા બે વર્ષમાં જુદી જુદી રીતે 55 લાખ લઈ લીધા છતાં 20 લાખ બાકી કાઢીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
ધાનેરાના જડીયાના ફોરેસ્ટ વિભાગના કર્મી રમેશભાઇ પટેલને મકાન માટે 3 લાખ રૂપિયાની જરૂર હોવાથી નજીકના મિત્ર અને પૂર્વ તાલુકા પ્રમુખ ફોજાજી રાજપુત પાસેથી 2020માં 3 લાખ ઉછીના લીધા હતા.
બાદમાં રૂપિયાની ઉઘરાણી કરી 3 લાખના 6 લાખ, બાદ 6 લાખના 12 લાખ અને 2 મહીના પછી 12 લાખના 24 લાખનું ચક્રવૃદ્ધિ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારપીટ પણ કરી હતી. દર મહીને 2-2 લાખ આપવા લાગેલા અને 13 મહીનામાં 26 લાખ રોકડ તેમજ ફોન પેથી નાણાં આપેલા હતા.
રમેશભાઇ સબંધીનો ધાનેરા ખાતેનો પ્લોટ વેચાણ કરેલો તેના રુ. 25 લાખ લઇને પાલનપુર જતા હતા ત્યારે ફોજાજી તેમના પુત્ર ભરતસિહ અને અન્ય ત્રણ જણા રમુણ ગામ પાસે ગાડી ઉભી રખાવી રુપિયાની ઉઘરાણી કરી રુપિયા ભરેલો થેલો લઇને ધાનેરા જતા રહ્યા હતા.