પાવીજેતપુર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ : માવઠું થતાં કેરી તેમજ ખેતીના પાકોને નુકસાન : લગ્નના માંડવા ભીંજાયા
પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી જઇ, ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ચાલુ થઈ જતા ખેતીના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. તેમજ લગ્નના માંડવા ભીંજાતા જનતા પરેશાન થઈ જવા પામી છે.
આ વર્ષે વરસાદની પધરામણી ગમે ત્યારે થઈ રહી છે સામાન્ય રીતે મેં માસમાં સુરજદાદા બરાબર તપતા હોય છે અને ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે આ વર્ષે ગરમીનું પ્રમાણ તો ખૂબ જ છે પરંતુ એકાએક વાતાવરણમાં પલટો આવી જય વરસાદના માવઠા થઈ જાય છે. આજરોજ બપોર સુધી ગરમીનું વાતાવરણ હતું સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવતા, મેઘાની પધરામણી થઈ જવા પામી હતી. ભર ઉનાળે જાને ચોમાસાની પ્રતિત થતી હતી. અવર નવર માવઠા થતાં ખેતીના પાકો એવા ડાંગર, કપાસ, મફળી કેરી વગેરેને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. કિસાનો રાત દિવસ એક કરી ખેતી કામ કરતા હોય ત્યારે અણધાર્યા માવઠા થતા ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. એક તરફ લગ્નની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. આ વિસ્તારની ગરીબ તેમજ મધ્યમ વર્ગની પ્રજા દેવાના ડુંગરો કરીને પણ લગ્ન ખૂબ ધામધૂમથી કરતા હોય છે. જ્યારે આવા સમયે એક તરફ લગ્નની મોસમ પુર બહારમાં ચાલે છે તેવા સમયે જ ચોમાસા જેવો વરસાદ ચાલુ થઈ જતા લગ્નમાં વિઘ્ન પડી રહ્યા છે.
આમ, પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં સાંજના સમયે એકાએક પલટો આવી જય વરસાદની પધરામણી થઈ જવા પામી હતી ઠેક ઠેકાણે પાણી-પાણી થઈ જવા પામ્યું હતું. તેમજ લગ્નના માંડવા ભીંજાતા લગ્નમાં વિઘ્ન પડ્યા હતા.