સમગ્ર આણંદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવનાર ખંભાતના ઓમ પ્રકાશ તિવારીની ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.શુભેચ્છા મુલાકાત દરમિયાન ઓમ પ્રકાશ અને તેના માતા-પિતાને પુષ્પાહાર પહેરાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી અને ૨૫ હજાર રૂપિયા પ્રોત્સાહન ઇનામ રૂપે અર્પણ કર્યા હતા.

આ અંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય પરિવારમાંથી આવતો ખંભાતનો ઓમ પ્રકાશ તિવારીએ બિટ્સ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ કરી પારિવારિક આર્થિક સંઘર્ષ વચ્ચે રહીને પણ આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગુજરાતમાં પણ ટોપર બન્યો છે. મેં ધારાસભ્ય તરીકે જાહેરાત કરી હતી કે, સરકાર તરફથી ધારાસભ્ય તરીકે મને મળતો પગાર ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વાપરીશ તેના અનુસંધાનમાં ઓમ પ્રકાશને 25000 રૂપિયા પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું છે. તદુપરાંત ઉચ્ચ અભ્યાસ હેતુસર જ્યાં જ્યાં તેને મારી જરૂર પડશે ત્યાં હું તેની સાથે છું.

ઓમ પ્રકાશ તિવારીએ જણાવ્યું હતું કે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ અમારા ઘરે આવી અમારું સન્માન કરી શુભેચ્છા પાઠવી છે તે બદલ અમે ખૂબ જ ખુશ છીએ. અને અમને ₹25,000 નો ચેક  અર્પણ કર્યો છે.વધુમાં તેઓએ મારા આગળના અભ્યાસ માટે મારી પડખે ઊભા રહેવાનો વિશ્વાસ આપ્યો છે.આપણે નસીબદાર છીએ કે આપણા ખંભાતને ધારાસભ્ય પદે ચિરાગભાઈ પટેલ મળ્યા છે.