સહાય માટે રજૂઆત: ડીસામાં ગૌશાળા-પાંજરાપોળને 3 મહિનાની બાકી સહાય ચૂકવવા સચિવને પત્ર લખી માગ કરાઈ, ઉનાળામાં ઘાસચારાનો ભાવ વધતા સંચાલકોની હાલત કફોડી

ગુજરાતમાં 1700 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે કોરોના મહામારી બાદ દાનની આવક ઘટતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત હાલત કફોડી બનતા સંચાલકોએ આંદોલન કર્યું હતું. બાદમાં સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરી દર વર્ષે ગૌશાળા અને પાંજરાપોળને ₹500 કરોડ રૂપિયા સહાય ચૂકવવા જાહેરાત કરી છે. જે અંતર્ગત ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા ત્રણ મહિનાની સહાય ચૂકવવા વિલંબ થયો છે.

જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાની સહાય સરકાર દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવી નથી. સહાયમાં વિલંબ થતાં જ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મુશ્કેલી ઊભી થઈ છે. હવે ઉનાળાની શરૂઆત સાથે જ ઘાસચારાનો ભાવ પણ ડબલ થઈ ગયો હોવાથી પશુઓના રખરખાવનો ખર્ચ વધી ગયો છે. તો બીજી તરફ સહાય પણ હજુ સુધી મળી નથી. જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ભારે સંકડામણ અનુભવી રહ્યા છે. તેવામાં ડીસામાં રાધે-કૃષ્ણ જીવદયા ટ્રસ્ટ દ્વારા ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના સચિવને પત્ર લખી સહાય ચૂકવવાની માગ કરી છે. મુખ્યમંત્રી અને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીને પણ પત્રની નકલ રવાના કરી રજૂઆત કરાઈ છે.