આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની દહેડા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની કબડ્ડી રમતમાં પસંદગી થતા શાળા, પરિવાર અને સમાજનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. નોંધનીય છે કે સમગ્ર આણંદ જિલ્લામાં માત્ર ખંભાત તાલુકાની દહેડા પ્રાથમિક શાળાની બે દીકરીઓની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે રાજ્યકક્ષામાં કબડ્ડી રમત માટે પસંદગી કરી છે.

આણંદ જિલ્લામાં આવેલ ખંભાત તાલુકાની દહેડા પ્રાથમિક શાળાની કુલ છ વિદ્યાર્થીનીઓએ સ્પોર્ટસ્ ઓથોરિટી ગુજરાત આયોજિત DLSSમાં કબડ્ડી સિલેક્શનમાં ભાગ લીધો હતો જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી કનક રણજીતભાઈ રાઠોડ (મેરીટ ક્ર્મ 201) અને સંજના ધરમસિંહભાઈ રાઠોડ (મેરીટ ક્ર્મ 207) એમ બે વિદ્યાર્થીનીઓની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે કબડ્ડીની રમતમાં અંડર-14 વિભાગમાં પસંદગી કરી છે.

આગામી દિવસોમાં બંને રમતવીર દીકરીઓને વડોદરા મુકામે જિલ્લા અને શાળા પસંદગી કરીને રમતગમતની સ્પેશિયલ શાળામાં નિશુલ્ક રહેવા, ભણવા તેમજ સ્પેશિયલ સ્પોર્ટ્સની કોચિંગ આપવામાં આવશે. દહેડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતનભાઈ પ્રજાપતિ અને શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે શાળા તેમજ શાળા સિવાયના સમયમાં રમતવીરોને કબડ્ડી રમત માટે ખૂબ જ પ્રેક્ટિસ તેમજ તૈયારી કરાવી હતી. રાલેજ પ્રાથમિક શાળાના શિક્ષક અમીન કોન્ટ્રાક્ટરે DLSS અંગેનું માર્ગદર્શન અને મદદ પૂરી પાડી હતી. શાળાના આચાર્ય હિતેશભાઈ પરમારે તેમજ શિક્ષક સ્ટાફ પરિવારે બંને વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

(સલમાન પઠાણ ખંભાત)