આગામી 15મી ઓગસ્ટને લઇ સુરક્ષા એજન્સીઓ સર્તક જોવા મળી રહી છે સ્વતંત્રતા દિવસ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. NIAએ દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાંથી ISISના એક આતંકીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આતંકીનું નામ મોહસીન અહેમદ છે. તે બિહારનો રહેવાસી છે. મોહસીન ઘણા દિવસોથી ISIS મોડ્યુલનો સક્રિય સભ્ય હતો. જાણકારી અનુસાર NIAની ટીમે બાટલા હાઉસના એક ઘરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં ઘરમાંથી અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.
સૂત્રો અનુસાર જણાવામાંઆવી રહ્યું છે કે દિલ્હીની જામિયા મલિયા યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ મોહસિન વિશે માહિતી આપી હતી, જેના આધારે તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર તેણે ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી ઘણા વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં તપાસ એજન્સીએ 25 જૂને જ મોહસિન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ તેની સતત શોધ ચાલી રહી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે તે અફઘાનિસ્તાન અને સીરિયા સ્થિત ISIS કમાન્ડરોના સંપર્કમાં હતો અને ક્રિપ્ટોકરન્સી દ્વારા તેમને ફંડ મોકલતો હતો. NIA અધિકારીઓએ માહિતી આપી છે કે મોહસીન અહેમદ ભારતમાં ISISને ફંડ આપતો હતો.