ડીસા તાલુકાના લોરવાડા ગામે વિધવા મહિલાને મદદ કરતા વૃદ્ધ પર મહિલાના પરિવારજનોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. છરી વડે હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના લોરવાડા ગામે રહેતા સુખાભાઈ રાવળ તેમના પડોશમાં રહેતી વિધવા મહિલાને અવારનવાર કામકાજમાં તેમજ આર્થિક રીતે મદદ કરતા હતા. જોકે આ બાબત મહિલાના દિયર અને દેરાણીને ગમતું નહીં હોવાથી તેઓ અવારનવાર સુખાભાઈ સાથે ઝઘડો કરતા હતા.
તે દરમિયાન ગઈકાલે સુખાભાઈ રાવળ મોડી રાત્રે ઘરે સુતા હતા. તે સમયે વિધવાના દિયર અને દેરાણીએ છરી અને લાકડી વડે ઓચિંતો હુમલો કર્યો હતો. જેમાં સુખાભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.
હુમલો થતા જ આજુબાજુ લોકો દોડી આવી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુખાભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે ઘટના અંગે ઈજાગ્રસ્તે ભીલડી પોલીસ મથકે જાણ કરી છે.