કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ  સુરેન્દ્રનગર સબ જેલની મુલાકાત લીધી હતી અને આર્ટ ઓફ લિવિંગના સહયોગથી કેદીઓ માટે આયોજિત યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ સેશન દરમિયાન જિલ્લા કો-ઓર્ડીનેટર યાત્રિકભાઈ દવે દ્વારા કેદીઓને વોર્મ અપ,સૂક્ષ્મ ક્રિયાઓ, તાડાસન, વૃક્ષાસન સહિતના આસનો તેમજ ધ્યાન, પ્રાણાયામ કરાવ્યા હતા. તેમણે યોગને પોતાની દિનચર્યામાં વણી લેવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કેદીઓને આર્ટ ઓફ લિવિંગ-જીવન જીવવાની કળા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર સેશન દરમિયાન કેન્દ્રિય મંત્રીએ સક્રિયપણે જોડાઈને કેદીઓને પ્રોત્સાહિત કર્યા હતા.‘રામ ધ્યાન’ સાથે આ યોગ સેશનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ કેદીઓ સાથે સહાનુભૂતિથી સંવાદ કર્યો હતો. કેદીઓએ એમના ભૂતકાળની વાત જણાવતા મંત્રીએ તેમણે દિલાસો આપતા નવી શરૂઆત અંગે સધિયારો આપ્યો હતો અને કેદીઓના કેસના કાયદાકીય નિરાકરણ માટે પણ સહકાર આપવાનું જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે જીવન કર્મને આધીન છે. કોઈ પણ સમસ્યામાં મૂંઝાયા વિના પોલીસ મિત્રોનો પણ સહકાર લેવામાં આવે તો ગુનો બનતા અટકાવી શકાય છે. મહિલાઓ માટે ’વન સ્ટોપ સેન્ટર’ નાના મોટા કિસ્સામાં મદદરૂપ બની રહે છે.જેલના સમય દરમિયાન પણ હકારાત્મક રહેવું જોઈએ. જીવનમાંથી નકારાત્મકતાને તિલાંજલી આપવી જોઈએઅને આપણી સમક્ષ રહેલી તકોનો હકારાત્મક ઉપયોગ કરવા તરફ આપણી ઊર્જા કેન્દ્રિત કરવી જોઈએ તેમ મંત્રીએ જણાવ્યું હતું. વિશેષમાં મંત્રીએ જેલમાં કોઈ ભૌતિક સુવિધાઓની અગવડતા હોય તો તે નિયમાનુસાર પૂરી કરવા માટે ખાતરી આપી હતી. કેદીઓના પરિવારને સહકાર મળી રહે તે માટે તેમના બાળકોના શિક્ષણની જવાબદારી પણ લઈ કેદીઓને સહકાર આપ્યો હતો. આ ઉપરાંત તેમણે જેલમાં આરોગ્યના કેમ્પ થાય તેમજ મિલેટનો વપરાશ વધે તેમજ ’મન કી બાત’ કાર્યક્રમ નિહાળે, જીવન ઘડતર માટે ’કૌશલ્ય વર્ધન સેમિનાર’નું આયોજન કરવા સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,168 પુરુષ કેદી તેમજ 13 મહિલા કેદીઓ એમ મળીને કુલ 181 કેદીઓએ આ શિબિરનો લાભ લીધો હતો.