ડીસાના આખોલ પાસેથી જીપડાલા ચાલકને લૂંટીને ભાગી જનાર ટોળકીના સાગરીતને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલ ભેગો કર્યો છે અને પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જણાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં ત્રણ દિવસ અગાઉ આખોલ પાસેથી પસાર થઈ રહેલા જીપડાલાને રોકાવી બાઈક અને કારમાં સવાર ટોળકીએ લૂંટ આચરી હતી. જેમાં જીપડાલાના ચાલક પાસેથી બળજબરીથી 1500 રૂપિયા અને મોબાઈલની લૂંટ કરીને ફરીયાદીની ગાડીને સળગાવી લૂંટારું ટોળકી નાસી ગઈ હતી.
જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આ હાઇવે લૂંટનો ગંભીર પ્રકારનો ગુનો નોંધી તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. પ્રો.નાયબ પોલીસ અધિક્ષક કે.કે રાઠોડ અને પીઆઇ એસ.એમ. પટણીની રાહબરી હેઠળ વિવિધ ટીમો બનાવી હ્યુમન સોર્સ મારફતે રાજસ્થાનથી આરોપી ગોવિંદસીહ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.
ડીસાના ઝેરડા ગામે રહેતા આ આરોપીને ઝડપી પ્રાથમિક તપાસ કરતા તે જિલ્લાના અલગ અલગ વિસ્તારમા લૂંટ, ખંડણી, દારૂ, અપહરણ, છેડતી, બ્લેકમેલ જેવા એક ડઝન ઉપરાંત ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી ડીસા તાલુકા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.